NRIને વિદેશમાંથી ભારતમાં વોટિંગની સુવિધા આપવા સંસદીય સમિતિની ભલામણ
NRIને વિદેશમાંથી ભારતમાં વોટિંગની સુવિધા આપવા સંસદીય સમિતિની ભલામણ
Blog Article
કોંગ્રેસ નેતા અને સાંસદ શશિ થરૂરના નેતૃત્વ હેઠળની વિદેશી બાબતો માટેની સંસદીય સમિતિએ ગુરુવારે રજૂ કરેલા તેના રીપોર્ટમાં બિન નિવાસી ભારતીયઓ (એનઆરઆઇ)ને ભારતમાં આવ્યા વગર મતદાન કરવાની સુવિધા આપવાની ભલામણ કરી હતી. સમિતિએ તેના માટે ઈલેક્ટ્રોનિક બેલેટ તથા પ્રોક્સી વોટિંગ જેવા વિકલ્પોની ભલામણ કરી છે. આ દરખાસ્તનો હેતુ દેશની બહાર રહેતાં ભારતીય નાગરિકોને લોકતંત્રની પ્રક્રિયાનો ભાગ બનાવવાનો છે.
આ રિપોર્ટમાં NRIની યોગ્ય વ્યાખ્યા કરવાની પણ ભલામણ કરીને જણાવાયું હતું કે હાલના નિયમોને આધિન NRIનું નામ મતદાન યાદીમાં હોવા છતાં તેમણે મત આપવા માટે રૂબરુ ભારતમાં આવવું પડે છે. મોટી સંખ્યામાં NRI ભારતની નાગરિકતા છોડી ચૂક્યા છે, અથવા તો ડબલ સિટિઝનશીપ ધરાવે છે. જેના આધાર પર તેમની ચૂંટણીમાં ભાગીદારી નક્કી કરવી જોઈએ. જેમાં તેઓ ઈ-બેલેટ તથા પ્રોક્સી વોટિંગની મદદથી વિદેશમાં બેઠા-બેઠા દેશની લોકતાંત્રિક પ્રક્રિયાઓમાં ભાગ લઈ શકે.
ભારતની બહાર રહેતાં NRIના વોટિંગનો મામલો હાલ કેન્દ્રીય કાયદા મંત્રાલય પાસે પેન્ડિંગ છે. પરંતુ વિદેશી બાબતોની સંસદીય સમિતિએ વિદેશ મંત્રાલયને આગ્રહ કર્યો છે કે, તે કાયદા મંત્રાલય અને ચૂંટણી પંચ સાથે મળી આ મુદ્દે સક્રિયપણે કામગીરી કરે.
2010ના જનપ્રતિનિધિત્વ ધારાની કલમ 1950 (20) (એ)માં સુધારો કરીને NRIને મતદાન કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. વર્ષ 2019માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં માત્ર 2958 NRIએ ભારતમાં આવી મતદાન કર્યુ હતું. જ્યારે 2024ની લોકસભા ચૂંટણીમાં 1 લાખ NRI મતદાર તરીકે રજિસ્ટર્ડ હતાં. શારીરિક રૂપે હાજરીના કારણે મતદાન પ્રમાણ ઓછું હોવાની વાતને સમર્થન આપતાં સંસદીય સમિતિએ ઈ-બેલેટ અને પ્રોક્સી વોટિંગને પ્રાધાન્ય આપ્યું છે